Posted in PAINTED WORDS

મમ્મીએ બનાવેલું ગોદડું


મમ્મીએ બનાવેલું ગોદડું

૭૦ ના દાયકા કે પછી બહુ બહુ તો ૮૦ ના દાયકામાં જન્મેલાઓ આ લાભ પામવાવાળી છેલ્લી પેઢી હશે કે જેમની મમ્મીએ જાતે કલાકોની મહેનત પછી ગોદડાં સીવ્યા હશે.એ પછીના બાળકોની મમ્મીઓએ જાતે ગોદડાં સીવવાનું બંધ કરી દીધું અને આપણી એક હૂંફાળી પરંપરાનો અંત આવ્યો.

આજે પણ ઘણાં લોકોનાં ઘરમાં મમ્મીએ અને દાદીએ જાતે સીવેલા ગોદડાઓ હશે પણ ઉપયોગ કેટલા કરતા હશે એ સવાલ છે.

મધ્યમવર્ગીય કુટુંબ હોવાથી મારી મમ્મી પણ એમના જમાનામાં ઘર માટે ગોદડાં સીવતી. અમારા ફાટેલાં પેન્ટ, પપ્પાનો કોલર ઘસાયેલો શર્ટ, મમ્મીની ઝળી ગયેલી સાડી, વચ્ચેથી તાર-તાર થઈ ગયેલો બાથરૂમનો રૂમાલ,ઘસાઈ ગયેલા બારીના પડદા….આ બધાંનો મમ્મીના હાથે પૂર્વજન્મનો વારો આવતો્. શિયાળા પહેલાંની એકાદ બપોરે ઘરની અમારી બધી મૂવમેન્ટ પર કંટ્રોલ કરીને મમ્મી રૂમમાં ગોદડાંનો પ્રાથમિક આકાર તૈયાર કરતી. સિવિલ ડ્રાફ્ટ મેન નકશા પર મકાનની આકૃતિ ખડી કરે એ ખૂબીથી મમ્મી એક પછી એક કપડાંના ચોરસ, લંબચોરસ કે પછી આડાઅવળા આકારના અસંખ્ય કપડાંના ટુકડાઓને એક ઉપર એક ગોઠવીને લંબચોરસ ગોદડાંનો પ્રાથમિક ઢાંચો તૈયાર કરતી. ઉપર અને નીચે એમની જૂની સાડી બાહરી કવચના રૂપે ગોઠવાતી અને મમ્મી મોટાં સોયા વડે એક ખૂણે થી ટેભા મારવાનું શરૂ કરતી. અમે બધા ભાઈભાંડુઓ પલંગ પર ચઢીને લેશન કરતા કરતા મમ્મીનો આ મધ્યમવર્ગીય રાજસૂય યજ્ઞ જોતા રહેતા. ગોદડા સીવવા માટે મમ્મીએ આગળની ઉત્તરાયણના પતંગના દોરા સાચવી રાખ્યા હોય. ગુચ્ચમ થઈ ગયેલી દોરીને ભારે ખંતથી ઉકેલીને મમ્મીએ એક મોટું પીલ્લું બનાવ્યું હોય. દુનિયાભરના બધા કલરની દોરીઓ એ પીલ્લામાં જોવા મળે. ચારે ખૂણે બોર્ડર બાંધીને મમ્મી ધીમે ધીમે અંદરના ભાગ તરફ સીવતી જતી.

રખે એવું સમજતા કે આ આખો પ્રોજેક્ટ એક દિવસીય હશે..ના..ના… ગોદડાં સીવણનો મમ્મીનો આ પ્રોજેક્ટ ત્રણ ચાર દિવસથી લઈને એક અઠવાડિયાનો રહેતો. રોજેરોજ ઘરનાં કામ પરવારીને બપોરે આરામ કરવાને બદલે ઉદ્યમી મમ્મી ગોદડાં સીવવા માં પોતાની આંગળીઓ તોડતી. ઘણી વખત જાડા કપડામાં ટેભો લેવા જતાં સોય મમ્મીનાં અંગુઠાના ટેરવામાં ઘુસી જતી જોઈ છે. એક સિસકારા સાથે કામ બે-પાંચ મિનિટ માટે અટકતું. લોહીના ટશિયાં ફૂટેલો અંગુઠો મોં થી ચુસીને દર્દ જાણે કે ગળે ઉતારી જવાતું અને ફરીથી પાછું કામની એ રફતાર શરૂ થતી. થોડાક મોટાં થયાં પછી સિલાઈ મશીન સાથે કામ કરતા લોકોના ડ્રોઅરમાં આંગળીઓ પર પહેરવાની દાણાંદાર ડિઝાઈન વાળી મેટલની કેપ જોઈ ત્યારે મનમાં સૌથી પહેલો સવાલ એ થયો કે મમ્મીએ ગોદડાં સીવતા વખતે આવી કેપ આંગળીઓ પર કેમ નહોતી પહેરી ? કદાચ એમના એ જમાનામાં શોધાઈ નહોતી અથવા તો એ ખરીદીને પહેરવી પણ કદાચ લકઝરી ગણાતી હશે એ દિવસોમાં ! ખેર, દિવસોની મહેનત પછી એક ગોદડું તૈયાર થતું ત્યારે મમ્મીને જાણે એક પેઈન્ટરે પોતાનું પેઈન્ટીંગ પૂરું કર્યું હોય એવો સંતોષ થતો. વપરાશના બે-પાંચ વર્ષો પછી જૂના ગોદડાં માંથી ક્લાસરૂમની બારીમાંથી બહાર ડોકિયું કરતાં તોફાની વિદ્યાર્થીની જેમ એકાદ કપડાંનો ટુકડો જો બહાર આવી ગયો હોય તો મમ્મી પાછી ફરી ત્યાં મજબૂત ટેભા સાથે મરમ્મત પણ કરી લેતી. મને ખ્યાલ છે કે દર શિયાળામાં મમ્મી એકાદ-બે ગોદડાં જરૂર સીવતી. પછીતો પપ્પા સાથે અમે ભાઈબહેનો પણ મમ્મીને રોકતા-ટોકતા….પણ ઘરના નકામાં કપડાંનો ફરી સદુપયોગ થાય અને આગળ જતાં તમને જ આ ગોદડાં કામ આવશે એવી લાગણીભરી દાટી આપીને મમ્મી શિયાળે એકાદ ગોદડું જરૂર સીવતી.

આજે એવી માનસિકતા ધરાવતી મમ્મીઓ ૮૦ના દાયકા પછી દેખાતી બંધ થઈ ગઈ છે. પણ એ જમાનાની મમ્મીઓએ સીવેલા ગોદડાઓ મને વિશ્વાસ છે કેટલાંય ઘરમાં શિયાળામાં નીકળતા હશે. મોંઘા ભાવની રજાઈઓ,ચાદરો,દોહર માં સોફેસ્ટીકેશન છે. કુમાશ છે. ગરમાવો છે પણ મમ્મીનાં ગોદડાં જેવી આપ્તજન જેવી હૂંફ નથી. વર્ષો પછીના અનુભવે મને લાગ્યું છે કે શિયાળામાં હૂંફ તો ખરી જ પણ ઊંઘતાં વખતે શરીર પર થોડોક ભાર હોય તો એ હૂંફમાં જાણે ઇજાફો થાય છે. મમ્મીનું ગોદડું એ રીતે શિયાળાનો સાચો સાથીદાર સાબિત થાય છે.

મમ્મીએ સીવેલા અને મમ્મીએ આપેલા પાંચેક ગોદડાં આજે પણ મારા ઘેર છે. અને શિયાળામાં બહુંજ સન્માન સાથે એને હું ઉપયોગમાં લઉં છું.

આ ગોદડું એ મધ્યમવર્ગીય કુટુંબનો સાચો વારસો છે.

  • શશિકાંત વાઘેલા

Author:

B.E.(E & C) M.Tech(Digital Comm.)

wanna say something? Say Right here...