Posted in PAINTED WORDS

માણસની અંદર પણ કેટકેટલા માણસો જીવતા હોય છે !


સંઘ્યાકાળનો સમય છે. બે દેવદૂતો એક શહેરના દરવાજે ભેગા થઈ ગયા. પરસ્પરનું અભિવાદન કર્યું અને વાતોએ વળગ્યા.

એક દેવદૂતે બીજા દેવદૂતને પૂછ્‌યું ઃ ‘આજકાલ તું શું કામ કરે છે ? તને કયું કામ સોંપવામાં આવ્યું છે ?’

બીજા દેવદૂતે પ્રથમ દેવદૂતને જવાબ આપતાં કહ્યું ઃ ‘વાત એમ છે કે મને એક પતનગ્રસ્ત માણસની દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. એ દુષ્ટ માણસ નીચે ખીણમાં રહે છે. તે પાપી છે અને અત્યંત પતિત માણસ છે. તને ખબર છે ને કે એ માણસની દેખરેખ રાખવાનું કામ ભારે મહેનતનું કામ છે. હું પોતે એની દેખરેખ માટે ખાસ્સી મહેનત કરું છું.’

પ્રથમ દેવદૂતે કહ્યું, ‘અરે ! એ તો સહેલું ને સટ કામ છે. હું અનેક પાપીઓને ઓળખું છું અને અનેક વખત તેમનો સંરક્ષક બન્યો છું. પરંતુ હવે મને એક અતિ પવિત્ર સંતની રખેવાળીનું કામ સોંપવામાં આવ્યું છે. એ સંત પેલી તરફની કુંજમાં રહે છે. મારો વિશ્વાસ રાખ, હું સાચું કહું છું. એ સંતની રખેવાળીનું કામ અત્યંત કપરું છે.’
બીજા દેવદૂતે કહ્યું, ‘તારી આ વાત તદ્દન કાલ્પનિક છે. કોઈ સંતનું સંરક્ષણ કરવાનું કામ પાપીની રક્ષા કરતાં કેવી રીતે મુશ્કેલ હોઈ શકે ?’
પહેલો દેવદૂત ગુસ્સે થઈ ગયો. એણે કહ્યું, ‘બદતમીઝીની પણ હદ હોય છે. મેં તો માત્ર સાચી વાત કરી. મને લાગે છે તું જુઠ્ઠો છે.’
અને બન્ને દેવદૂતો અંદરોઅંદર વાદ-વિવાદ કરવા લાગ્યા, એમાંથી ઝઘડો વઘુ ઉગ્ર બન્યો અને બન્ને મુક્કાબાજી કરવા લાગ્યા અને પોતાની પાંખો અથડાવીને પણ લડવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ બન્ને લડી રહ્યા હતા, એવામાં ત્યાં દેવદૂતોનો નેતા આવી ચઢ્‌યો. એણે બન્ને વચ્ચેની લડાઈ બંધ કરાવી દીધી અને પૂછયું, ‘મને એ તો કહો કે તમે બન્ને કઈ વાત પર એક-બીજા સાથે લડી રહ્યા છો ? તમને એટલું પણ ભાન નથી કે શહેરના દરવાજે આવી રીતે લડવાનું દેવદૂતો માટે શોભાસ્પદ નથી. મને કહો કે તમારો વિવાદ કયા મુદ્દાને અનુલક્ષીને છે ?’

ત્યારે બન્ને ફિરસ્તાઓ એક સાથે પોતપોતાનો પક્ષ રજૂ કરવા લાગ્યા. તેઓ બન્ને કહી રહ્યા હતા કે તેમનું પોતપોતાનું કામ અત્યંત મુશ્કેલ છે. તેથી તેમના કામને વઘુ માન્યતા મળવી જોઈએ.

પેલા નેતાએ ડોકું ઘૂણાવ્યું અને બન્નેને પાસે બોલાવીને કહ્યું, ‘મિત્રો, હજી હું એ નિર્ણય નથી કરી શકતો કે તમારા બન્ને પૈકી સન્માન અને પુરસ્કારનો કોનો દાવો વઘુ યોગ્ય છે. તેથી શાન્તિ અને વઘુ સારી રખેવાળી માટે તમને બન્નેને એકબીજાનું કામ સોપું છું. કારણ કે તમે બીજાના કામને સહેલું માનો છો અને પોતાના કામને અઘરું. હવે તમે મેં સોપેલું કામ સંભાળી લો અને ખુશ રહો.’

નેતાનો આદેશ માથે ચઢાવીને બન્ને દેવદૂતો પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા. પરંતુ બન્ને પોતાના નેતા તરફ ભારે ગુસ્સાની નજર જોઈ રહ્યા હતા. ‘આ નેતા લોકો, દિવસે-દિવસે દેવદૂતોના જીવનને કપરાથી અતિ કપરું બનાવી રહ્યા છે.’
પરંતુ દેવદૂતોનો નેતા ત્યાં જ ઉભો-ઉભો વિચાર કરી રહ્યો હતો ઃ ખરેખર ! અમારે સાવધાન રહેવું પડશે. અમારા રક્ષક દેવદૂતો પર ચાંપતી નજર રાખવી પડશે !

ખલીલ જિબ્રાનની ‘બે રક્ષક ફિરસ્તા’ વાત અહીં પૂરી થાય છે. પણ પ્રશ્ન ઉભો કરતી જાય છે ઃ મુશ્કેલ કાર્ય કયું ઃ ‘પાપીને જાળવવાનું કે સંતની રક્ષા કરવાનું ?’